kids story book


દગો એક વાર


એક જંગલમાં શિયાળ રહેતું હતું. શિયાળ શરીરે નાનું. નાના નાના શિકાર કરે, તેનાથી એનું પેટ ન ભરાતું. વળી જંગલી મોટાં પ્રાણીઓનો પણ ડર રાખવો પડતો. એક વાર એ ગામમાં ઘૂસ્યું. એને થયું, અહીંથી કંઈક ખાવાનું મળી રહે. પણ એને કૂતરાનો ખ્યાલ ન આવ્યો. કારણ કે એ પહેલી વાર ગામમાં પગ મૂકતો હતો. શિયાળ ગામમાં ઘૂસ્યું એટલે કૂતરાં ભસવા માંડ્યાં. શિયાળ ગભરાયું. આ ગલીમાં દોડે તો કૂતરાં... પેલી ગલીમાં દોડે તો કૂતરાં... સામું દોડે તો કૂતરાં... પાછું વળે તો કૂતરાં... ડાબે જાય તો કૂતરાં... જમણે જાય તો કૂતરાં... ચારે બાજુ ભસાભસ થઈ રહી. શિયાળ બેબાકળું બની ગયું અને એક વરંડામાં ઘૂસી ગયું. ત્યાં એક કૂંડી ભરેલી હતી તેમાં સંતાવા ગયું. તેમાં પાણી હતું એટલે છપાક દઈને અંદર પડ્યું. કૂતરાં ભસી ભસીને કંટાળ્યાં. અને ચાલ્યા ગયાં. એકદમ શાંતિ પથરાઈ ગઈ એટલે શિયાળ કૂંડીમાંથી બહાર નીકળ્યું અને જંગલ તરફ દોટ મૂકી. રાત પૂરી થઈ... સૂર્ય ઊગ્યો... સવાર પડી એટલે આખું જંગલ રળિયામણું દેખાવા લાગ્યું. પરંતુ આ શું ? બધાં પ્રાણીઓ શિયાળને જોઈને ભાગવા લાગ્યાં. શિયાળને નવાઈ લાગી. મને જોઈને બધા ભાગે છે કેમ ? હું કંઈ સિંહ-વાઘ થોડો છું ? અચાનક એની નજર પોતાના શરીર પર ગઈ તો આખું શરીર ભૂરું... પગ ભૂરાં, પેટ ભૂરું, પૂંછડીએ ભૂરી. હવે તેને ખ્યાલ આવ્યો કે, રાત્રે એ જે કૂંડીમાં પડેલો તેમાં ભૂરા રંગનું પાણી હશે. અને એમ જ બનેલું. શિયાળ ઘૂસેલું તે ઘર રંગારાનું હતું. તેણે કૂંડીમાં ભૂરો રંગ તૈયાર કરી રાખેલો. તેમાં શિયાળ પડ્યું અને ભૂરું બની ગયું. શિયાળ તળાવે ગયું અને પાણીથી રંગ કાઢવા કોશિશ કરી પણ રંગ ન નીકળ્યો. અચાનક શિયાળનાં મગજમાં એક યુક્તિ સૂઝી આવી. તે તો આનંદથી નાચવા લાગ્યું. પછી ઠાવકું બનીને જંગલમાં ફરવા લાગ્યું. તેને જોતાં જ હરણ, સસલાં, વરુ, રીંછ બધાં ભગવા માંડ્યાં. ત્યાં શિયાળે જરા ભારે અવાજ બનાવીને કહ્યું : 'ભાઈઓ ! ભાગો નહિ. ભાગો નહિ. હું તો દેવદૂત છું. શંકર દેવે મને મોકલ્યો છે. આ જંગલ પર રાજ કરવા માટે. મેં તેમની બહુ પૂજા કરી એટલે પ્રસન્ન થઈને તેમણે મને આ વરદાન આપ્યું છે. હવેથી હું આ જંગલનો રાજા છું. હું તમારી રક્ષા કરીશ. તમે ખાધેપીધે સુખી રહો તે જોવાની મારી જવાબદારી રહેશે.' ધીરે ધીરે આ વાત જંગલમાં ફેલાઈ. બધાં ભૂરાં શિયાળ પાસે આવવા લાગ્યાં. અને એને પગે લાગવા માંડ્યાં. ગમે તેમ તોયે એ દેવદૂત હતો. પછી તો પ્રાણીઓએ એને સિંહાસન પર બેસાડી રીતસરનો રાજા બનાવ્યો. અને એને નમસ્કાર કરી કોઈ ને કોઈ વસ્તુ ભેટ આપવા લાગ્યાં. શિયાળના તો રુઆબનો પાર નથી. આનંદનો પાર નથી. તેને થયું, તે સાચોસાચ દેવદૂત છે. ભગવાને મોકલેલો આ જંગલનો રાજા છે. તેણે સિંહને મંત્રી બનાવ્યો. વાઘને સેનાપતિપદ આપ્યું. હાથીઓને પાણી લાવવાનું કામ સોંપી દીધું. રીંછોને મધ લાવવાનું કામ સોંપ્યું. મોરને પંખો નાખવાનું કામ સોંપ્યું. બુલબુલને રાજગવૈયો બનાવ્યો. કબૂતરએ સંદેશવાહક બનાવ્યાં. સસલાંને સેવક બનાવ્યાં. ચિત્તા-દીપડાને દ્વારપાળ બનાવ્યા. પણ બધા શિયાળોને જંગલમાંથી તગેડી મૂક્યાં. જંગલમાં એકે શિયાળ ન રહ્યું. ભૂરું શિયાળ તો જંગલનું રાજ કરવા લાગ્યું. અને એશઆરામથી સમય વિતાવવા લાગ્યું. ખાઈ ખાઈને તે તગડું બની ગયું. એક વાર એક શિયાળ ભૂલથી એ જંગલમાં ઘૂસી આવ્યું. ખાઈ પીને તે મોટે સાદે ગાવા લાગ્યું. તેની લારી સાંભળી જંગલનો રાજા બનેલ શિયાળ પણ ગાવા લાગ્યું. તે ભૂલી ગયું કે, પોતે જંગલનો રાજા છે. રાજાને શિયાળની જેમ ગાતું સાંભળી બધાં પ્રાણીઓ ચમક્યાં. તેમને થયું, 'અરે ! આ તો શિયાળ છે ! તેણે તો આપણને બધાંને મૂરખ બનાવ્યાં.' વધારે ખરાબ તો સિંહને લાગ્યું. સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો. શિયાળ સમજી ગયું કે, ભૂલમાં પોતે જ પોતાનો ભાંડો ફોડી નાખ્યો છે. હવે એની ખેર નથી રહેવાની. એ તો ભાગ્યું ઊભી પૂંછડીએ. પણ સિંહ કંઈ ભાગવા દે ! એક જ તરાપ મારી કે શિયાળનું પેટ ફાટી ગયું. સિંહે ગુસ્સામાં ગર્જના પર ગર્જના કરી જંગલને ગજાવી નાખ્યું. 'હે કુમારો ! દગો ક્યારેક જીવનું જોખમ બની જાય છે માટે દગો કરવો નહિ.'Read More Stories