kids story book


ઠાકોર અને રંગલો


[ઘણે દિવસે ઠાકોર પરદેશથી પાછા ફરે છે. રંગલો નોકર તેમની સામે જાય છે. બંને ભેગા થાય છે. તેથી ખુશ થઈ હળેમળે છે. પછી ઠાકોર રંગલાને ઘરબાર વગેરેના ખબરઅંતર પૂછે છે.] ઠાકોર : કેમ રંગલા ! ઘરના શા ખબર છે ? રંગલો : સારા ખબર છે, ઠાકોર ! ઠાકોર : છે તો સૌ હીમખીમ ને ? રંગલો : (જરા મોળું બોલે છે) હા…. ઠાકોર : કેમ જરા મોળું ભણે છે ? છે તો સૌ હીમખીમ ને ? રંગલો : (અચકાતો બોલે છે) હા; પ….ણ એક જરા…ક કહેવાનું છે. ઠાકોર : તું તો બધાં હીમખીમ કહે છે, ને વળી કહેવાનું શું છે ? રંગલો : કાંઈ ખાસ નહિ… એ તો આપણો બાજિયો કૂતરો મરી ગયો. ઠાકોર : અરરર ! બાજિયો કૂતરો ? મોટો સિંહ જેવો શૂરો ! હરણી જેવો ઉતાવળો ! હાથી જેવો મસ્ત ! અરે—એ મરે જ શેણે ? રંગલો : હા, બાપુ ! મરે એવો તો નો’તો, પણ આપણી હરડી ઘોડીનાં હાડકાં કરડીને મૂઓ ? ઠાકોર : (ચિડાઈને) અરે બેવકૂફ ! શું બોલ્યો ? ઘોડીને વળી શું થયું ? રંગલો : ઘોડી બિચારી મરી ગઈ… ઠાકોર : અરે – તું તો જરાક કે’તો’તો, ને આ બધું ક્યાંથી નીકળ્યું ? બોલ તો ખરો ! ઈ પંચકલ્યાણી, રેવાળ ચાલની, ફૂંકે ગાઉ દોડનારી મારી વા’લી હરડી શાથી મૂઈ ? રંગલો : એમાં કાંઈ મનમાં ન લગાડવું, ઠાકોર ! જેવી ઈશ્વરની મરજી ! … ઘોડી તો ખડ ને ચંદી વિના મરી ગઈ, બાપુ ! ઠાકોર : અરે મૂર્ખા ! ખડની ગંજીઓ અને ચંદીનાં કોઠારિયાં ભરી મૂક્યાં હતાં, તે ક્યાં ગયા ? રંગલો : એ બધાં તો આઈમાનાં કારજમાં વપરાઈ ગયાં…. ઠાકોર : અરરર ! આ તે શો ગજબ ! આઈમા મૂઆં ? મારા ઘરનું નાક ! સુખનું કારણ ને દુ:ખનો વિસામો ! એને તે શું થયું ? રંગલો : આઈમા તો કુંવરને દુ:ખે મૂઆં. ઠાકોર : એલા ગમાર ! કુંવરનું એવડું તે કેવડું દુ:ખ કે સમૂળગાં આઈ મૂઆં ? રંગલો : કુંવરનું દુ:ખ કાંઈ ઓછું કહેવાય ? ઠાકોર, આઈમા તો કુંવરની પાછળ ઝૂરી ઝૂરીને ગયાં…. ઠાકોર : હાય હાય ! મારો કુળદીપક કુંવર ગયો ? કહે તો ખરો – એ શી રીતે મૂઓ ? રંગલો : બાપુ ! કુંવર તો ધાવણ વગર મૂઓ… ઠાકોર : અરે મોકાણિયા ! ભસ તો ખરો ! શું ઠકરાણાંએ ધવરાવ્યો નહિ તેથી મૂઓ ? રંગલો : બાપુ ! ઠકરાણાં હોય ત્યારે ને ? એ તો સૌથી પહેલાં મૂઆં… ઠાકોર : અરરર ! ઠકરાણાં શાથી મૂઆં ? રંગલો : કોગળિયું થયું તે મરી ગયાં… ઠાકોર : આ તો કોઈ ન રહ્યું ! ત્યારે હવે ઘર કોણ સંભાળતું હશે ? રંગલો : બાપુ ! ઘર સાચવવા જેવું નથી રહ્યું. એ તો એક દિવસ લાલબાઈએ સરખું કરી નાખ્યું છે… ઠાકોર : અરે પ્રભુ ! અરે રામ ! ગજબ થયો ! [ઠાકોર પોકેપોકે રડે છે. રંગલો તેને છાના રાખે છે.]



Read More Stories